Mathematicians biography in gujarati language online
આ પાંચ ગણિતજ્ઞોએ ભારતના ગણિતશાસ્ત્રને સમૃધ્ધ બનાવવા અમૂલ્ય યોગદાન આપ્યું હતું
ભાસ્કરાચાર્ય બીજ ગણિતના માસ્ટર માઇન્ડ હતા
જન્મ - ઇસ ૧૧૧૪
જ્ન્મ સ્થળ - વિજજડવિડ
પિતાનું નામ મહેશ્વરાચાર્ય
પ્રાચીન ગણિતશાસ્ત્રને સમૃધ્ધ કરવામાં બે ભાસ્કરાચાર્યએ યોગદાન આપ્યું હતું. પ્રથમ ભાસ્કરાચાર્ય ૯ મી સદીમાં થયા હતા. તેમણે ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના ગ્રથ આર્યભટ્ટીય પર વિવેચન કરતો ગણિતગ્રંથ લખ્યો હતો. આર્યભટ્ટની જેમ તેમણે પણ મહા ભાસ્કરીય અને લઘુ ભાસ્કરીય એમ બે ખગોળ ગ્રંથ લખ્યા હતા. ભાસ્કરાચાર્ય પ્રથમ કરતા ભાસ્કરાચાર્ય દ્વીતિયનું ગણિતમાં મોટું પ્રદાન છે. તેમને બ્રહ્મગુપ્ત જેવા મહાન ગણિતશાસ્ત્રીના સંશોધન અને ગ્રંથનો પણ અભ્યાસ કર્યો હતો. ભાસ્કરાચાર્યએ લખેલા ગ્રંથોનો અનુવાદ વિદેશી ભાષાઓમાં પણ થયો છે.મુગલ શાસક અકબરના દરબારી ફૈજીએ ભાસ્કારાચાર્યના પાટી ગણિત પુસ્તક લીલાવતીનો અરબી ભાષામાં અનુવાદ કર્યો હતો. કોલબુક નામના વિદ્વાને લીલાવતીનો અંગ્રેજીમાં અનુવાદ કરચા ભાસ્કરાચાર્યના ગણિત સંશોધન વિદેશમાં પ્રચાર પ્રસાર થયો હતો.
ભાસ્કરાચાર્યનું ગણિતમાં યોગદાન
(૧) ભાસ્કરાચાર્યએ માત્ર ૩૨ વર્ષની ઉંમરે સિધ્ધાંત શિરોમણી નામનો ગણિત ગ્રંથ લખીને પોતાની પ્રતિભાનો પરીચય આપ્યો હતો. ભાસ્કરાચાર્યએ પાટી ગણિતના પુસ્તકને પોતાની વિધવા પુત્રી લીલાવતી નામ આપીને ઇતિહાસમાં નામ અમર કર્યુ છે. ભાસ્કાચાર્યએ ગણિત શોધ સંશોધનનું કાર્ય ઉજજૈનમાં રહીને કર્યું હતું. તેઓ એક વેધશાળાના આચાર્ય હતા.
(૨) ન્યૂટનના જન્મના ૮૦૦ વર્ષ પહેલા ભાસ્કરાચાર્યએ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વાત કરી હતી. ડિફરેશનલ કેલકુલસ (અવકલ ગણિત)માં ભાસ્કરાચાર્ય પોતાના જમાનાથી આગળ હતા. આથી જ તો ગુરુત્વાકર્ષણના સિધ્ધાંત અને તેના પરીણામોમાં તેની છાંટ જોવા મળે છે.
(૩) રોમન પધ્ધતિમાં આંકડાઓ દર્શાવવામાં ખૂબજ અગવડતા હતી. ૧૦૦૦ કે ૧૦૦૦૦ની રકમને લખવા ની રીત લાંબી લચક અને અટપટ્ટી હતી. આ સમયે ભાસ્કરાચાર્યએ રકમને દસ કરોડ એક અબજ સુધી લખીને તેનું નામકરણ કર્યુ હતું. જેમાં એકમ, દસક, સો. હજાર, લાખ, દસ લાખ, કોટી, અર્બુદ (અબજ) અબજ (દસ અબજ) ખર્વ (સો અબજ) નિખર્વ (હજાર અબજ) મહાપધ્મ (દસ બજાર અબજ) શંકુ (લાખ અબજ) જલધી (દસ લાખ અબજ) અંત્ય (કરોડ અબજ) તથા પરાર્ધ (દસ કરોડ અબજ)નો સમાવેશ થાય છે.
(૪) ભાસ્કરાચાર્ય પહેલા બહ્મગુપ્ત શુન્યનો વ્યહવારુ ઉપયોગ લાવ્યા હતા યુરોપિયન ગણિતશાસ્ત્રી એડવર્ડ કોસ્નરે ૧૯૩૦માં આ રકમ કરતા મોટો આંકડો ગુગોલ શોધ્યો હતો. આમ ભાસ્કરાચાર્ય પોતાના જમાના કરતા ઘણા આગળ હતા.ભાસ્કારાચાય એ પહેલીવાર આત્મવિશ્વાસથી કહયું કે કોઇ પણ સંખ્યા જયારે શુન્યથી વિભકત કરવામાં આવે છે ત્યારે અનંત થઇ જાય છે.
(૫) આધુનિક ગણિતમાં પાસ્કલ ત્રિકોણ ખૂબજ જાણીતું છે. જેની ભેટ ૧૭ મી સદીમાં પાસ્કલ નામના ગણિત વૈજ્ઞાાનિકે આપી હતી.પાસ્કલ જેવા પ્રમેય ત્રિકોણ ભાસ્કરાચાર્યના ગણિત ગ્રંથમાં ખંડ મેરુ નામના મથાળા હેઠળ જોવા મળે છે. યુકિલિડ દ્વારા આપવામાં આવેલી પાયથાગોરસ પ્રમેયની રીત કરતા ભાસ્કરાચાર્યની ઉપપતિ રીતને ગણિતજ્ઞાો વધુ સારી માને છે.
(૬) પાસ્કલ ત્રિકોણ અને પાયથાગોરસ પ્રમેય વગેરે ગણિત સંશોધનોના મૂળમાં ભાસ્કરાચાર્યના ગણિતનું બહુમુલ્ય યોગદાન છે. ભાસ્કરાચાર્યએ બીજ ગણિતના ઇકવેશનનો ઉકેલ શોધવા માટે ચક્રવાલનો ઉપયોગ કર્યો હતો. ધનાત્મક સંખ્યાને શુન્ય વડે ભાગવાથી જે રકમ મળે તેને ખરર એવું નામ આપ્યું હતું. આમ ખરર નામ આપનાર તેઓ પ્રથમ ગણિત વિજ્ઞાાની હતા.
આર્યભટ્ટ - ટેબલ ઓફ સાઇન અને પાઇના મૂલ્યના શોધક
જન્મ - ઇસ.૪૭૬
જ્ન્મ સ્થળ - કુસમપુર (સંભવીત)
આર્યભટ્ટનું નામ પ્રાચીન ગણિતશાસ્ત્રીઓમાં ખૂબજ આદરથી લેવાય છે. તેમના નામથી અનેક ગણિત સંસ્થાઓ,ગણિત તથા જયોતિષ મંડળો ચાલે છે.આર્યભટ્ટના જન્મ સ્થળ અને તેમના અંગત જીવન અંગે વિદ્વાનોમાં મતભેદ જોવા મળે છે. આ મહાન ગણિતશાસ્ત્રીએ માત્ર ૨૩ વર્ષની ઉંમરે મહાન ગણિતગ્રંથ આર્યભટ્ટીય લખ્યો હતો. આ ગ્રંથમાં જયોતિષ ઉપરાંત વર્ગમૂળ,ઘનમૂળ સમાંતર (સમાંતર શ્રેણી) તથા બીજા અનેક પ્રકારના સમીકરણોનો સમાવેશ થાય છે. ખગોળ વિજ્ઞાાનમાં આર્યભટ્ટે જે સિધ્ધાંતો,સૂત્રો, અનુમાનો તથા તારણો આપ્યા તેનો પ્રભાવ આજે પણ જોવા મળે છે. કેરલમાં આર્યભટ્ટ સિધ્ધાંત નામના ગ્રંથનો ઉપયોગ હિંદુ પંચાગ તૈયાર કરવામાં ઉપયોગ થાય છે.
આર્યભટ્ટનું ગણિતમાં યોગદાન
(૧) ૧૫૦૦ વર્ષ પહેલા આર્યભટ્ટે પૃથ્વી ગોળ છે તથા તે પોતાની ધરી આસપાસ ફરતી હોવાનું અનુમાન કર્યુ હતું. એ સમયે આધૂનિક યંત્રોએ અને દૂરબીનો ન હતા આથી આ તારણ પોતાના સચોટ ગણિત જ્ઞાાનને આભારી હતું. સદીઓ પછી યૂરોપના વૈજ્ઞાાનિક કોપરનિકસે પૃથ્વી પોતાની ધરી આસપાસ ગોળ ફરે છે એવું સંશોધન કર્યુ ત્યારે અંધશ્રધ્ધાથી ખદબદતા યૂરોપમાં હાહાકાર મચી ગયો હતો.
(૨) રાહુ અને કેતુ નામના ગ્રહ સૂર્ય અને ચંદ્રને ગળવા આવતા હોવાથી ગ્રહણો થાય છે આ માન્યતાનું આર્યભટ્ટે ખંડન કરીને ગ્રહણ પૃથ્વી અને ચંદ્રના પડછાયાથી થાય છે એ સમજાવ્યું હતું. ચંદ્રએ સ્વયં પ્રકાશિત નથી તેના પર સૂર્યનો પ્રકાશ પડતો હોવાથી તે ચમકે છે એ પ્રથમ વાર જાહેર કર્યુ હતું. ગોલપદ પુસ્તકમાં ભૂમિતિ, ત્રિકોણમિતિ, ગ્રહણોના લક્ષણો તથા પૃથ્વીના આકાર જેવા વિષયો પર પ્રકાશ પાડયો છે.
(૩) વિશ્વનું ગણિત ક્ષેત્ર ટેબલ ઓફ સાઇન અને પાઇ માટે આર્યભટ્ટનું ઋણી છે. આર્યભટ્ટે પાઇનું મૂલ્ય ૩.૧૪૧૬ શોધ્યું હતું.પાઇ બાબતે તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે પાઇએ અતાર્કિક છે. પાઇના આ તારણ અંગે આધૂનિક ગણિતશાસ્ત્રને ઇસ ૧૭૬૧માં માલૂમ પડયું હતું. આર્યભટ્ટે પશ્ચિમી ગણિતશાસ્ત્રી આ ર્કિમિડિઝ પહેલા પાઇના મુૂલ્યને આ રીતે આંકયું હતું.
(૪) આર્યભટ્ટે ટેબલ ઓફ સાઇનના કોષ્ટકો આપ્યા હતા. તેમણે ગણિતના અઘરા સમીકરણોના ઉકેલ માટે ે જે રીત આપી છે તે વિશ્વભરમાં જાણીતી છે.ખાસ કરીને અનિર્ધારિત એટલે કે ઇનડિટરમિનેટ ઇકવેશન સોલ કરવાની પધ્ધતિ જેમ કે એકસ બી વાય બરાબર સી આજે પણ ગણિત રસિયાઓમાં પ્રિય છે. તેમણે ગણિતના ગ્રંથોની રચના કવીતાની જેમ ગાઇ શકાય તે રીતે કરી હતી.
(૫) આર્યભટ્ટે તેમના આર્યભટ્ટીયના ભાગ ગ્રંથના બીજા ભાગમાં લખ્યું છે કે ૪ ને ૧૦૦માં ઉમેરો, ૮ દ્વારા ગુણાકાર કરો અને પછી ૬૨૦૦૦ ઉમરો, આ રીતે ૨૦૦૦૦નો વ્યાસ ધરાવતા વર્તુળનું પરિઘ જાણી શકાય છે.આર્યભટ્ટની ગાણેતિક ગણતરી મૂજબ પૃથ્વીનો પરિઘ ૩૯.૯૬૮,૦૫૮૨ કિલોમીટર છે. જે ૪૦,૦૭૫,૦૧૬૭ કિલોમીટરના વાસ્તવિક મૂલ્ય કરતા માત્ર ૦.૨ ટકા જ તફાવત પડે છે.
બ્રહ્મગુપ્ત - ગણિતમાં શૂન્યનું મહત્વ આંકનારા ગણિતશાસ્ત્રી
જન્મ - ૫૯૮
જ્ન્મ સ્થળ - ભીનમાલ
પિતાનું નામનું નામ -જિષ્ણુગુપ્ત
પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓમાં બ્રહ્મગુપ્તનું નામ ખૂબજ આદરથી લેવામાં આવે છે. અંક ગણિત તથા બીજ ગણિતનો જયોતિષ વિજ્ઞાાનમાં ઉપયોગ કરવાનો ક્ષેય બ્રહ્મગુપ્તને મળે છે. ૩૦ વર્ષની નાની ઉંમરે તેમણે બ્રહ્મસ્ફૂટ નામનો ગણિત ગ્રંથ લખ્યો હતો. તેઓ હર્ષવર્ધનના શાસનકાળમાં ચાપ વંશના રાજા વ્યાધ્રમુખના દરબારમાં રાજ જયોતિષી હતા.એક માહિતી મુજબ ભારતની પ્રાચીન નગરી ઉજજૈન સાથે પણ સંકળાયેલા હતા.બ્રહ્નગુપ્તને ઘણા ભાષ્યકારો તથા વિવેચકો ભિલ્લમાલાચાર્ય તરીકે ઉલ્લેખ કરે છે. ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યએ તો તેમને ગણક ચૂડામણીનું બહુમાન આપ્યું હતું.
બ્રહ્મગુપ્તનું ગણિતમાં યોગદાન
(૧) શૂન્યના ગુણધર્મોની વ્યાખ્યા કરીને તેના ઉપયોગ દ્વારા શૂન્યના નિયમો તૈયાર કરવામાં આ ગણિતશાસ્ત્રીનું મોટું યોગદાન હતું. શૂન્યને કોઇ પણ સંખ્યામાં ઘટાડવાથી કે વધારવાથી શૂન્યને કોઇ જ અસર થતી નથી. શૂન્યના નિયમો ઉપરાંત વર્ગ સમિકરણના મૂળ શોધવાની રીત પણ તેમણે આપી હતી.
(૨) બ્રહ્મગુપ્ત પ્રથમ ગણિત વિદ્વાન હતા જેમણે અંક ગણિત અને બીજ ગણિતની ભેદરેખા સ્પષ્ટ કરી હતી. વર્ગૂમળ તથા ઘનમૂળ શોધવાની સરળ રીતો તેમણે આપી હતી.
(૩) બ્રહ્મગુપ્તના બ્રહ્મસ્ફૂટ નામના ગણિત ગ્રંથનો અલજાફરી નામના લેખકે અરબી ભાષામાં અનુવાદ કરતા તેમના ગણિતનો ભારત બહાર પણ ફેલાવો થયો હતો. અરબી ભાષામાં લખાયેલું સિંદ હિંદ નામનું પુસ્તક બ્રહ્મગુપ્તના ગણિત વિચારોની જ કોપી હતું.
(૪) બ્રહ્મગુપ્તે બધાજ પરિમાણ (માપ) પૂર્ણ હોય એવા ચક્રિય ચતુર્ભૂજની રચના કરી તેની રીત સમજાવી હતી.તેમજ ચક્રિય ચતુર્ભુજની ભૂજાઓનું ક્ષેત્રફળ,ત્રિભૂજનું ક્ષેત્રફળ ઉપરાંત કર્ણોની લંબાઇ જાણવા માટેનું સૂત્ર આપ્યું હતું. જેમાં ભૂજાઓના યોગથી અડધાને ચાર વખત લખીને ભૂજાઓ બાદ કરો અને ગુણીને તેનું વર્ગમૂળ કાઢવામાં આવતું હતું. જે હાલમાં ડબ્લ્યુ સ્નેલ (ઇસ ૧૬૧૭)ના નામથી જાણીતું બન્યું છે.
(૫) બ્રહ્મગુપ્ત પહેલા ગણિતશાસ્ત્રી હતા જેમણે દિવસ રાતના કલાકોની ગણતરી કરીને એક વર્ષના ૩૬૫ દિવસ ૬ કલાક ૫ મીનિટ અને ૧૯ સેકન્ડ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આજે આપણે જાણીએ છીએ કે સૂર્ય પૃથ્વીની ફરતે એક ભ્રમણ પૂર્ણ કરે તેને એક વર્ષનો સમય થાય છે. સૂર્યના ભ્રમણની દિશાના આધારે જે પૃથ્વીના વિવિધ ભૂખંડો પર ઋતુઓ બદલાયા કરે છે. બ્રહ્મગુપ્તની આ ગણતરીને આધૂનિક વિજ્ઞાાન સાથે સરખાવતા તેમાં માત્ર ૪૫ સેકન્ડનો જ ફર્ક છે. બ્રહ્મગુપ્તે એ સમયે કેવી રીતે ગણતરી કરી હશે તેની ગણિતશાસ્ત્રીઓને પણ નવાઇ લાગે છે.
(૬) બ્રહ્મગુપ્તના ખંડખંડાયકા ગ્રંથમાં અંતર્વેશન (ઇન્ટર પોલેશન) તથા સમતોલ ત્રિકોણમિતિ બંનેમાં સાઇન (જયા) કોસાઇન (કોટિજયા)ના નિયમો મળે છે. બ્રહ્મગુપ્ત એક પુરાણપંથી ગણિતશાસ્ત્રી હતા આથી તેમણે આર્યભટ્ટના રેશનલ વિચારોનો વિરોધ કર્યો હતો.
મહાવીરાચાર્યએ વ્યહવારમાં ગણિતનું મહત્વ સમજાવ્યું હતું
જન્મ - ઇસ ૫૯૮
જ્ન્મ સ્થળ - મૈસૂર (સંભવીત)
મહાવીરાચાર્યના જન્મ,વતન અને બાળપણ અને જીવન પ્રસંગો અંગે કોઇ જ માહિતી મળતી નથી પરંતુ તેમનો જન્મ ઇસ ૮૧૫ થી ૮૭૮ દરમિયાન થયો હોવાનું માનવમાં આવે છે.તેઓ રાષ્ટ્કૂટના રાજા અમોધ વસ્ત નિરુપુતંગણાના દરબારમાં રાજ જયોતિષ હતા એવું માનવામાં આવે છે. અમોધ વસ્તને જિન શાસન તથા જૈનાચાર્યો પ્રત્યે ખૂબજ લગાવ હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તે મૈસુરમાં આવેલી જૈનશાળામાં ગણિત વિષયના તજજ્ઞા હતા.મુસ્લિમ ગણિતશાસ્ત્રી અલખોેવારિઝમી અને મહાવીરાચાર્ય સમકાલિન હોવાનું મનાય છે.
મહાવીરાચાર્યનું ગણિતમાં યોગદાન
મહાવીરાચાર્યએ ગણિત સાર સંગ્રહ ગ્રંથ લખ્યો જેની સરળ,રસપ્રદ અને રમૂજી શૈલી હોવાથી ખૂબજ લોકપ્રિય થયો હતો. બે સંખ્યાઓનો ગુણાકાર કરતા જે ગુણન ફળ આવે તે સંખ્યાના અંકો જમણી બાજુથી કે ડાબી બાજુથી બંને તરફથી વાંચતા એક સરખી જ સંખ્યા બને છે. આવી સંખ્યાઓને કંઠાભરણ સંખ્યાઓ નામ આપ્યું હતું. મહાવીરાચાર્યએ આવી અનેક કૌતૂક પ્રરે તેવી સંખ્યાઓનો ઉલ્લેખ પોતાના ગણિતસાર સંગ્રહ ગ્રંથમાં કર્યો છે.
મહાવીરાચાર્યએએ ગણિત અને જયોતિષના બીજા પધગ્રંથોની જેમ સંખ્યાઓનો પરીચય શબ્દ વર્ણન કરીને આપ્યો હતો. જેમ કે ૩૦૨૧ સંખ્યાને ચંદ્ર,અક્ષિ,આકાશ અને અગિન આ રીતે રજૂ કરવામાં આવી છે. આ શબ્દ સંખ્યાને એકમથી શરુ કરીને ક્રમશ ડાબી તરફ આગળ વધતી જાય છે. તેમાં કેટલીક શબ્દ સંખ્યાઓનો ઉપયોગ કરીને જૈન ધર્મદર્શન મુજબ કર્યો છે. જેમ કે રત્ન શબ્દનો ઉપયોગ ત્રણની સંખ્યા માટે કર્યો છે. જયારે બીજા ગણિતશાસ્ત્રીઓ રત્ન શબ્દનો ઉલ્લેખ પાંચ શબ્દ માટે કરતા હતા.
મહાવીરાચાર્યના ગણિત વિષય પરના સારસંગ્રહ ગ્રંથને વર્ષો સુધી દક્ષિણ ભારતના પ્રાચીન પાઠય પુસ્તકોમાં અભ્યાસક્રમ તરીકે શીખવવામાં આવતો હતો.
મહાવીરાચાર્યનો આધુનિક દુનિયાને પરીચય આપવાનું કાર્ય મદ્રાસ પ્રેસિડન્સી કોલેજના પ્રોફેસર રંગાચાર્યએ કર્યું હતું. તેમણે ઇસ ૧૯૧૨માં ગણિત સાર સંગ્રહ ગ્રંથનો સંસ્કૃત તથા અંગ્રેજી ભાષામાં બહાર પાડયો હતો.
ઇસ ૧૯૦૮માં રોમમાં યોજાયેલી ગણિતની ચોથી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ગણિત વિજ્ઞાાની ડેવીડ યુજેન સ્મિથે મહાવીરાચાર્યના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.
જન્મ - ૨૨ ડિસેમ્બર -૧૮૮૭
જન્મ સ્થળ - ઇરોડ નગર - તામિલનાડુ
રામાનૂજનનું ગણિતમાં યોગદાન
રામાનૂજનનો ખૂબજ ગરીબ પરીવારમાં જન્મ થયો હતો. તેમની પાસે ગણિતના દાખલા અને સૂત્રો ગણવા માટે કાગળ ખરીદવાના પૈસા ન હતા.રામાનૂજન સ્કૂલમાં ગણિતમાં માર્કસ સારા આવતા હતા પરંતુ ભાષા સાહિત્ય અને ઇતિહાસ વિષયમાં ખૂબજ મુશ્કેલી પડતી હતી. કોલેજમાં તો તેઓ વારંવાર નપાસ થવાના કારણે શિષ્યવૃતિ બંધ થઇ જતા અભ્યાસ છોડી દેવો પડયો હતો. ૧૯૧૨માં મદ્રાસ પોર્ટ ટ્રેસ્ટના કાર્યાલયમાં ૩૦ રુપિયા માસિક પગારે કલાર્કની નોકરી સ્વીકારી હતી.
૧૬ જાન્યુઆરી ૧૯૧૩ના રોજ ઇગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિર્વસિટીના પ્રોફેસર જી એચ હાર્ડીને ૧૧ પાનનો એક પત્ર લખ્યો. તેમાં ૧૨૦ જેટલા પ્રમેય પણ મોકલ્યા.પ્રોફેસર હાર્ડી પ્રેમેય વાંચીને પ્રભાવિત થયા અને રામાનુજનને ઇગ્લેન્ડ બોલાવી લીધા હતા.૧૯૧૫માં રામાનૂજન અને પ્રોફેસર હાર્ડીએ સાથે મળીને ૯ ગણિત સંશોધન પ્રકાશિત કર્યા હતા. ૧૯૧૭માં લંડનની રોયલ સોસાયટીએ ફેલો જાહેર કર્યા હતા. લંડનમાં તેમની તબિયત ખરાબ થતા ૨૭ માર્ચ ૧૯૧૯ના રોજ ભારત પાછા ફર્યા હતા. ૧૨ જાન્યુઆરી ૧૯૨૦ના રોજ પ્રોફેસર હાર્ડીને લખેલા પત્રમાં તેમને મોકથીટા ફલન નામના ગણિત સંશોધન અંગે જાણકારી આપી જેમાં ૬૫૦ જેટલા સૂત્રો હતા.
૨૬ એપ્રિલ ૧૯૨૦ના રોજ ૩૩ વર્ષની ઉંમરે તેમનું બિમારીના લીધે અવસાન થયું હતું. રામાનૂજનની નોટબુક ભાગ -૧ અને ભાગ -૨ તેમની પ્રસિધ્ધ ગણિત પુસ્તકો છે. તેના પર ૧૦૦ થી વધુ લોકો પી એચડી થયા છે. ભારતના આ ગણિતશાસ્ત્રીને આંતરરાષ્ટ્રીય પરિષદો અને સેમિનારોમાં યાદ કરવામાં આવે છે. રામાનૂજને મેથ્સમાં એનાલિટિકલ થિઓરી ઓફ નંબર,એલિપ્ટિકલ ફંકશન અને ઇનફાઇનાઇટ સીરિઝ પર ખૂબ કામ કર્યુ હતું.